ભક્તોની આ ભીડ મહીં હવે એકલવાયું લાગે
પથ્થર મટી પ્રાણવાન થઉં ઓરતા એવા જાગે.
છપ્પનભોગ ધર્યા પણ કોળિયો કેમ કરી ઉતારુ ગળે?
ઓટલે મારે બેઠા કંઈક બાળ ભૂખથી છે ટળવળે
મારૂં જ મૌન હવે મુજને એવું તો છે વાગે.
ભક્તોની આ ભીડ મહીં….
નિત નવા વાઘા-શણગારે મન મારું મુંઝાતુ
ચીર ખેંચાતા નારીઓના હૈયું છે દુભાતુ
ધાવા મદદે મન મારૂં મંદિરેથી જામીન માંગે.
ભક્તોની આ ભીડ મહીં….
પ્રેમ-કરુણા નફરતના ઓળા પાછળ સંતાયા
રમખાણોમાં આજ અહીં તો ભાઈ-ભાઈ કપાયા
મૂરત છું, મૂંગા મોઢે શી રીતે પાડુ રાગે.
ભક્તોની આ ભીડ મહીં….
– નરેન્દ્ર ચૌહાણ ”નરેન”