મેં લખી જે, વાંચજો મારી કથા
હું ડૂબ્યો પણ તારજો મારી કથા!
કંઈક યુગ જૂની અશુદ્ધિઓ હશે
સો સો ગળણે ગાળજો મારી કથા!
કાદવે ખીલ્યાં કમળ લઇને તમે
મંદિરે જઇ પૂજજો મારી કથા!
જેમ મોજાં ઉછળી પાછાં ફરે
એમ પાછી વાળજો મારી કથા!
હું જીવન જીવ્યો વ્યથાઓથી ભર્યું!
પણ તમે વિસરી જજો મારી કથા!
દેહમાં લોહી બની વ્યાપ્યા પછી
આંખે ઉભરે, ખાળજો મારી કથા!
હું હરિને લઇ બળી જાઉં પછી
એકઠાં થઇ બાળજો મારી કથા!
~ હરિ શુક્લ