ગાગા ×7
સ્વને સ્વમાં મળ ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
બીજાની ક્ષણ બન ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
ઉબકા આવે છે ને કોઈની ખુશી જોઈને ??
ઓછું મનમાં ભર ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
ધોખો આપ્યો ને અટકે છે ડૂમો દીલાસાનો ,
પી માફીના જળ ને તો રીપોર્ટસ નોર્મલ આવે ..
ભીતરમાં એકલતા – ખાલીપાનો હુમલો આવ્યો ??
દિલ ખોલીને હસ ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
જો તારી શંકાની ઠોકરના ઊંડા જખ્મો ,
દોસ્ત ,બે ક્ષણ જડ ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
આંખોમાં ખૂંચે છે જૂની – કોરી યાદોની રજકણ ,
છાંટો તાજી ક્ષણ ને તો રીપોર્ટસ નોર્મલ આવે…
દાઢોથી થોડી તકલીફો પણ ચાવી લે તો તું !
લે ,ખા ,ગમ ના મગ તો રીપોર્ટસ નોર્મલ આવે .
મોં ના ફેરવશો અમથી દુઃખની પળનું ઔષધ છું ,
જીવન નવતર ઘડ ને તો રીપોર્ટસ નોર્મલ આવે .
– રક્ષા