હિબકાઓ લેતું આ ફળિયું પૂછે છે
કે કેમ કરી જીવીશું આપણે ?
પાનેતર પહેરીને કાલ હવે પંખી તો
ઉડશે જઈ બીજાના આંગણે ….
આંખોમાં આવ્યાં છે આંસુઓ લૂછવા
સ્મરણોના જુના રૂમાલથી ,
દીકરીના કુંવારા દિવસો તો પાંપણ પર
બેસી ગયા છે ગઈકાલથી
હાથ સ્હેજ લંબાવી સ્પર્શું એ પહેલાં તો
ઝળઝળિયાં પહોંચી ગ્યાં પાંપણે ,
પાનેતર પહેરીને કાલ હવે પંખી તો …..
ઉંબરને ઓળંગી જાશે ને ત્યારે એ
નિર્જીવ ભીંતોને રાડાવશે ,
સાથીયાઓ કોણ પછી કરશે ને કોણ
પછી તુલસીને પાણી ચડાવશે ?
સહેવાતો હોય નહીં પળનો વિયોગ ત્યાં
બેસવાનું વરસોનાં તાપણે ?
પાનેતર પહેરીને કાલ હવે પંખી તો …..
~ તેજસ દવે