સઘળી ઇચ્છાઓને ખૂબ જ સિફતપૂર્વક ટાળી છે ,
સપનાઓની નાત અમે તો ભડભડ ભડકે બાળી છે.
વાટ જુએ છે એ કુંપળની ,એને જઈ સમજાવે કોણ ?
સઘળાં રસ-કસ સૂકાયા છે ,એ તો સૂક્કી ડાળી છે.
એનાં માટે મથવું સાવે નક્કામું છે , છોડી દે ,
એ ના થાશે ઉજળો, એનાં મનની ભીંતો કાળી છે
એ ખેંચાતી જાય અવિરત ; આશય બસ એને મળવું
ધસમસતી નદીઓ સાગર કાંઠેથી પાછી વાળી છે
રાત -દિવસનો નાતો છે એ છોડી અમને જાશે ના ,
પીડાઓને પંપાળીને એવી રીતે પાળી છે !
✍? શબનમ