સતત ટકટક કરે ઘડિયાળ ટેબલ પર,
અટકશે એ પછી શું? ફાળ ટેબલ પર.
હતું એ મૂળ માં થડ, થઇ ગયું પાયો,
જનમટીપની સજાનું આળ ટેબલ પર.
રબર ભૂંસે બટકણી વાત પેન્સિલની,
લપસતા શૈશવે છે , ઢાળ ટેબલ પર.
થયું સાક્ષી અનર્ગળ વેદના સાથે,
હતો એ પત્ર છેલ્લો, બાળ ટેબલ પર.
ખૂણે છે લેમ્પ, જંપી છે ક્ષણો રાત્રે,
વહેતા શબ્દને, તું ખાળ ટેબલ પર.
જવું છે દૂર, પણ વળગે મને એવી,
ગઝલ આવે બની વેતાળ ટેબલ પર.
કદી પોથી, કદી હિસાબ એની પર,
બદલતા રંગની જંજાળ ટેબલ પર.
છવાઈ શૂન્યતા ઘરને બધે ખૂણે,
અકળ ને અટપટી ઘટમાળ ટેબલ પર.
મૂકી માથું રડી લે છે સમય ત્યારે,
હવાની પીઠને , પંપાળ ટેબલ પર.
– ભાર્ગવી પંડ્યા