સમયની ક્ષણો
સમયની ક્ષણોનાં પ્રહારે મળ્યા,
એ ખંજર મને હર મદારે મળ્યા,
ઉડ્યા સ્વપ્ન પાંપણથી રાતે, એનાં,
ઉતારા ફૂલો પર તુષારે મળ્યા
પૂરો રંગ તો વાદળોમાં હવે,
સદા શ્યામ નભનાં ચિતારે મળ્યા,
વિખેરી દીધાં સામટા બિંબ, તો
ફરી આયનાનાં ઇજારે મળ્યા,
સમેટો પથારો હવે સાંજ થઈ,
હિસાબો જીવનનાં ઘસારે મળ્યા,
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’