હતું “નામ”નું જયાં,જતન યાદ આવે,
હથેળીની વચ્ચે દફન યાદ આવે,
ચણાવ્યો હતો સ્વપ્નનો મ્હેલ જયાં મેં,
પલક પર જે ઉજવ્યો જ્સન યાદ આવે,
કરું બંધ આંખો તો વીંધે છે મુજને,
એ કાતિલ નશીલાં નયન યાદ આવે
અધૂરી કહાણી,અધૂરી જ વાણી,
રહ્યુ જે અધૂરું કવન યાદ આવે
નજરને ઝુકાવીને કહેવુ’તું મારે,
અધર પર ધરેલું ઇજન યાદ આવે,
વલોપાત ભીતરનો એવો સતાવે,
ક્ષણે ક્ષણ મને તો સ્વજન યાદ આવે,
વળેલું હતું ડાયરીમાં જે પાનું,
લખાયું જે ન્હોતું કથન યાદ આવે,
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’