ગાલગાગા ×4
એક -બે પત્થર થઇ બદલાય ‘હાઈ ટેક ‘ઘરમાં ,
દોસ્ત , સંજોગો અહીં લજવાય ‘હાઈટેક ‘ ઘરમાં.
હાસ્ય ભાડે લઇ ભરે હપ્તા , ઉદાસીના સહારે ,
ફાયદો શું ?લાગણી અટવાય ‘હાઈટેક ‘ઘરમાં..
સત્યની લઇ ઈંટ ને , શ્રધ્ધા ચણી લો જિંદગીમાં ,
સમતુલા સંબંધની સમજાય ‘હાઈટેક ‘ઘરમાં..
ઘર હજી ખાલી જ છે એકાંતના આ ઓરડામાં ,
ભીંત -ફળિયું -ઓસરી પડઘાય ‘હાઈટેક ‘ઘરમાં..
ઉંબરાને છે અપેક્ષા નીકળે નિરપેક્ષ મન લઇ ,
ત્યાં સ્વજન સામે મળી હરખાય ‘હાઈટેક ‘ ઘરમાં..
ઘર હવે દેવળ બનાવું મ્હેકતો અવસર ગણીને ,
બે ટકોરા ‘હાશ’ના ખટકાય , ‘હાઈટેક ‘ઘરમાં..
✍? “રક્ષા”