આજે સઘળો ઉજાસ મારી આંખમાં !
આજે સઘળો ઉજાસ મારી આંખમાં !
પાંખ ફફડાવી મેં તો આકાશમાં !
તારા તે નામનો તરી લીધો દરિયો,
મીઠા તે જળનો ઘડો મેં તો ભરિયો.
આજે પકડાયા પ્રીતમજી બાથમાં,
પાંખ ફફડાવી મેં તો આકાશમાં !
વગડો આ ખૂંદયો વ્હાલમની સાથે,
હોંકારો દઉં છું , હું સાજનની વાતે.
આજે ઉજાસ ડોલે મારી તે કાખમાં,
પાંખ ફફડાવી મેં તો આકાશમાં !
વરસતો મેઘ તું, ચમકતી હું વીજળી,
ઘનઘોર ઘટાની છું હું વાદળી.
આજે સમાયા શ્વાસ તારા શ્વાસમાં,
પાંખ ફફડાવી મેં તો આકાશમાં !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘