અણધાર્યો વરસાદ આવ્યો
અણધાર્યો વરસાદ આવ્યો ,
ને ભીંજાઈ હું તો આખી !
વરસાદી ફોરામાં હોઠ ભીના,
ને પજવે છે એક માખી !
ઝીણી ઝરમર,અંગમાં વ્યાપે,
વિલસે હવામાં સુગંધ.
શ્વેત પરી નાચે ઉમંગથી,
આપણો આ કેવો સંબંધ ?
પતંગિયાના રંગોની છાલક ,
ને હું તારા ચરણોની દાસી !
વિખરેલા વાળની લટ ઊડે ,
વેણીમાં મોગરો શરમાય.
ભૂલા પડેલા સાજનની આહટ,
હૈયું આ મારું ગભરાય .
માટીની મહેક દોડતી આવે,
ને હું તો વર્ષોની પ્યાસી !
અળગી થઈ ખુદથી, વિચારું ,
કે આ ધરા પણ છે ઘેલી,
વિરહિણી ,સતત જળ ને ઝંખે,
ક્યાં જાય એ મેઘને મેલી ?
કળીઓનો ઘૂંઘટ ખોલે ભમરો,
‘કાન્ત’ની તરસ બારમાસી !
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘