આપણે મળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
મંઝિલે વળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
પાનખરમાં વૃક્ષ વાસંતી પવન માંગ્યા કરે.,
સૌરભે કળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
શક્યતા દેખાય છે બૂઝાઇ જાવાની મને,
થોડુ ઝળહળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
શોધવા ક્યાંથી હવે સંકેત એ મંજુરીનાં,
પાંપણો ઢળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
મર્મ ખુલ્લો જો પડે, એવાં મિલનનો આપણો,
કારણો ટળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
શબ્દ થિજેલા યુગોનાં, સામસામે પીગળે,
મૌન ટળવળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
જયાં અધર કેરી “તૃષા” છીપે, અગન અંગે વધે,
અગ્નિને છળવા વિષે કૈં શક્યતા દેખાય છે ?
પૂર્ણિમા ભટ્ટ. ‘તૃષા’