અટકળો સૌ લઇને ફરતી વાયકાનું શું ?
વાંઝણી આ શક્યતાઓ, ધારણાનું શું ?
જાતને શણગારવામાં બિંબ ખોવાયા,
સંઘરેલા દ્રશ્ય તૂટે, આયનાનું શું ?
ઝંખનાની હુંફ લઇને તાપણા તપતા,
લાગણીની બાષ્પ બનતાં વાદળાંનું શું?
ડાળખી પરથી બધાં સંબંધ ખરતા’તાં,
પાનખર પૂછે, વસંતી વાયરાનું શું?
જો પી જાઉં હું બધી ખારાશ સાગરની,
તો તૃષા ,હરણાં,આ રણ ને ઝાંઝવાનું શું?
ટેરવે જ્યાં ટળવળે છે વ્યગ્ર ટહુકાઓ,
ત્યાં ટકોરા અંધ એવાં બારણાંનું શું?
ક્ષણ બે ક્ષણની વાત હો, તો મન મનાવી લઉ,
શ્વાસે તારું નામ લખતાં આયખાનું શું ??
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’