યાદની થાપણ હશે તો ચાલશે,
રાત વિજોગણ હશે તો ચાલશે,
આયખું તો વસ્ત્ર માંગે રેશમી,
શણ ગુથ્યૂ ઓઢણ હશે તો ચાલશે,
ત્યાં જ છું, થઇ ના શકી તુજથી અલિપ્ત,
મૃગજળી વળગણ હશે તો ચાલશે,
પથ્થરો ટાંચીને થાક્યા ટેરવા,
થોડું ત્યાં ગાભણ હશે તો ચાલશે,
શોધતી રહું માર્ગમાં એક જો મળે,
જૂનું પણ પગરણ હશે તો ચાલશે
નામ તારું હાથમાં ઘૂટ્યું સતત,
તુજ કને ટાંચણ હશે તો ચાલશે,
તૂટતાં સંબંધને વરસો થયાં,
ત્યાં ફરી ઝારણ હશે તો ચાલશે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’