દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.
રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.
પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.
ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’