એ પીપડ, એ આંગણ, સદન યાદ આવે,
એ પીપડ, એ આંગણ, સદન યાદ આવે,
મને ગામડાનું જિવન યાદ આવે.
અગાશીએ બોલે સદા કાગ વાણી,
ને પંખીનો કલરવ, કવન યાદ આવે.
ઉભા મોલ, વાડી ને ખેતર એ લીલાં,
અને માંચડાનું શયન યાદ આવે.
પનિહારીઓનું વદન લાજમાં હો,
છતાં મંદ હાસ્યે ઇજન યાદ આવે.
પગે ઝાંઝરી વાગતી છન છનાછન,
શરમથી ઝૂકેલાં નયન યાદ આવે.
કહીં વાગે પાવો, કહીં એકતારો,
અને ગામચોરે સ્વજન યાદ આવે.
હતી મંગલાઆરતી જ્યાં પરોઢે,
થતાં સાંજ ટાણે ભજન યાદ આવે.
-હેમા ઠક્કર “મસ્ત”