હૈયાની માલીપા ચાંદરણાં રોપ્યાં ને નાગણીઓ કમખાની રાશમાં
ઓલી આયરની છોકરી આકાશમાં
આયરાણી કે’કે હું તો વાદળ થઈ જાઉં, પછી નેણાંની ખેંચું કમાન
નેણાંનાં સાત-સાત રંગો વિખરાય પછી થઈ જાઉં હું તો વિમાન
કોઈ કે’ ના કે’ હું તો બંધાઈ જાઉં એના બાવડાના સર્પિલા પાશમાં
ઓલી આયરની છોકરી આકાશમાં
આયરાણી જોવે તો છાતીમાં ફફડે કંઈ ઘૂઘૂ કરતાંક બે પારેવડાં
આયરાણી બોલે તો મીઠી શરણાઈ વાગે, હૈયામાં મઘમઘતા કેવડા
ભીંજયો તરબોળ હું તો એના આ વરસાદી ઝાપટાની ઝેરી ભીનાશમાં
ઓલી આયરની છોકરી આકાશમાં
-ફિરદૌસ દેખૈયા