એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો…
એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો,
ના મળે કિસ્મત વગર એ વાત હું માની ગયો.
હાથતાળી દઇ જતી એ લાલની રાની મને,
સર વગર બે બાદ’શાનો દાવપણ ખાલી ગયો.
બંધ બાજી પર હતો વિશ્વાસ મારો આંધળો,
એક પત્તુ જોઇ મોટી ચાલ એ ચાલી ગયો.
ચાલ મોટી ચાલવામા જીત પણ એની થતી,
સાવ ખોટી ચાલ પર મેદાન એ મારી ગયો.
તું ભલે બેઠક બદલ તકદીર ક્યાં બદલાય છે?
જીતવા લક્ષ્મી ગયો ને જીદંગી હારી ગયો
— મનહર ગોહિલ ‘સુમન’