એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં !!
એક છત નીચે બધાનાં થૈ ગયાં જ્યાં મન જુદાં,
એકની એક જ ઘટે ઘટના છતાં વર્ણન જુદાં
સંત હો કે હો શરાબી રંક કે રાજા ભલે,
સર્વ બંધાયા અદીઠા, સર્વનાં બંધન જુદાં.
હાથ તો બંનેઉ એક જ રીતથી જોડે છતાં,
છે ભિખારીનાં જુદાં ને ભક્તનાં વંદન જુદાં.
વૃક્ષો-ફૂલો-પાંદડાં-પંખી બધું એક જ મગર.
હોય છે જંગલ જુદાં ને હોય છે ઉપવન જુદા.
તીર્થ એક જ ને પ્રભુ એક જ અને એક જ સમય,
જેટલી આંખો નિહાળે એટલાં દર્શન જુદાં.
ને સમય જ્યાં સ્હેજ બદલાયો અચાનક એ પછી,
જોઉં છું મિસ્કીન સૌનાં થઈ ગયાં વર્તન જુદાં.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’