એક માણસ નાતમાં સાચો પડે,
એમને એમાંય પણ વાંધો પડે.
એ બધા માની જ લે એને મરણ,
આદમી થોડોક બસ આડો પડે.
આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ સાલો આપણો જાડો પડે !
હું ય વ્હાલો હોઇશ મારા બાપને,
ગાલ પર મારાય તે ખાડો પડે.
ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને,
જો રહો તડકે તો પડછાયો પડે !
એટલો માણસ નથી તૈયાર આ,
છળકપટમાં એ હજી પાછો પડે.
દીવડાં પ્રગટાવ તારી આંખનાં,
શ્વાસ આ મારો હવે ઝાંખો પડે.
પ્રેમનું અત્તર લગાડો દૂરથી,
બહુ જશો નજદીક તો ડાઘો પડે.
– સ્નેહલ જોષી