ફૂલોના પાલવ પર આસવ ઘોળીને બેઠું છે ઝાકળ
પર્ણોની પાંપણ પર સૂરજ ઢૉળીને બેઠું છે ઝાકળ
ઘનઘેરા વાદળનાં પડછાયા પાછળ વાતો રંગીલી,
રંગોનાં સપ્તકમાં જાત ઝબોળીને બેઠું છે ઝાકળ
ચકરાવે ચડતા આ હૈયાંનો ચકરાવો વીંધીને
ઉડતી ડમરીની રજકણ ફંગોળીને બેઠું છે ઝાકળ
યાદોમાં પૂનમ જાગે ત્યાં નભને જોયા કરતી આંખે
રજ્નીગંધાની સૌરભ ઢંઢોળીને બેઠું છે ઝાકળ
આવે તોયે પ્યારા, મૃગજળનાં પ્યાસાં થૈને આવે છે,
હરણાંની આંખે સપનાં એ, રોળી ને બેઠું છે ઝાકળ
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’