ફૂલ ખાતર બે ઘડી બસ ગાઉં છું!
જ્યાં વળગવાં જાઉં તરછોડાઉં છું;
ફૂલ છું ને ડાળ પર કરમાઉં છું.
છું સુગંધિત કાળનો વહેતો પ્રવાહ,
રણ તરફ શા કાજ વળતો જાઉં છું?
શૂન્ય છું આકારહીન અસ્તિત્વનું
વિસ્તરું થોડું વધું ભૂંસાઉં છું.
કઈ રીતે લે, વર્ણવું પીડા- અભાવ?
છોડ તારો; મારો પણ ક્યાં થાઉં છું?!
અન્તહીણા આ વિરહના મારગે–
ચાલવું દુષ્કર અતિ લંબાઉં છું!
માર્ગમાં કાંટો બન્યો ક્યાં કોઈને ?
તોય ક્હે છે સૌ મને ડંખાઉં છું!
છું જ તો ‘ગુણવન્ત ‘ ઝાકળનો અવાજ
ફૂલ ખાતર બે ઘડી બસ ગાઉં છું!
-ગુણવંત ઉપાધ્યાય