હૈયાની વાત તમે જાણો છો સાજન !
હૈયાની વાત તમે જાણો છો સાજન !
શાને કહીયે અમે , દલડું ખોલીને !
ઓળખાણ આપણી ,સદીઓ જૂની ને,
આંખ થાકી છે, હવે અમથું બોલીને !
રૂપની રંગત મોરપિચ્છમાં સમાણી,
જોઉં કેટલા દિ ‘ કહો , હું એકલી ?
આભ જેવા આભને થાક લાગી જાય,
લાગે છે પાંપણો ભારે મને એટલી !
સમયને સથવારે ચાલો છો સાજન !
કેમ કરી પહોંચી યે અમે ડોલીને ?
ઓળખાણ આપણી સદીઓ જૂની ને,
આંખ થાકી છે , હવે અમથું બોલીને !
રસ્તાની એક કોર સૂરજ ઊગે ને,
કેડીએ પગરવની આશ મને મૂંઝવે,
તમારું તે નામ લઈ ,દોડી જાઉં રસ્તે,
ચકળવકળ થાય , ઓરતાં , નેજવે !
પ્રેમના અણસાર ને ઓળખો સાજન,
આવી છે લયલા સઘળું છોડીને !
ઓળખાણ આપણી સદીઓ જૂની ને,
આંખ થાકી છે હવે અમથું બોલીને !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘