‘તથાસ્તુ’ નાં અધિકારો મળી જો જાય તો જલસા,
તમારી એક આ ઇચ્છા ફળી જો જાય તો જલસા!
ખબર છે કે તમે મારગ મુજબ વળતા નથી કાયમ,
તમારા મન મુજબ મારગ વળી જો જાય તો જલસા!
અહિં કોને ખબર છે જિંદગાની ક્યાં જશે આગળ?
તમારા મન, અમારા મન, હળી જો જાય તો જલસા.
નથી દીધું કદી કળવા અમે ત્રિલોકને આખું,
અમારું મન, હવે મનને કળી જો જાય તો જલસા.
તમારી વાહ વાહી પણ ભલે ને જાય ખાલી પણ,
અમારો ‘હું’ અગર સાચે, ગળી જો જાય તો જલસા.
ડૉ. મુકેશ જોષી