જિંદગીમાં નકાબ રાખું છું,
પણ ગઝલમાં રુઆબ રાખું છું,
શોભી ઊઠે રદીફ સાથે જે,
કાફિયા બેહિસાબ રાખું છું,
જામ છલકી રહ્યો પ્રણયનો લ્યો,
આંખમાં હું શરાબ રાખું છું,
સાચવું છું સુગંધ સ્મરણોની,
બંધ તેથી કિતાબ રાખું છું,
પ્રશ્ન પણ બેમિસાલ પૂછો છો,
ઉત્તરો લાજવાબ રાખું છું,
આખું આકાશ ઝળહળે એવો,
ચાંદનીનો શબાબ રાખું છું,
હે ગઝલ ! શબ્દની તરસ માણું,
હું ‘તૃષા’નો ખિતાબ રાખું છું.
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’