જીવન મંથન !
ચાલ કરીએ જીવન મંથન
સમયની પૂંછડી હું પકડું ,
મોઢું તું પકડ.
પણ.,હા..અમૃત મંથન
તો દેવ-દાનવોએ કર્યું હતું,
અને આપણે તો બન્ને માનવ ?
દોસ્ત !સુર -અસુર બન્ને અધવચ્ચે
ભાગી જાય જો માનવના
જીવનનું મંથન કરે !
વાસુકિ નાગેય શરણ શોધે
કોઈકનું …..!
મેરુનાયે મોતિયા મરી જાય
અને ઓલો કાલકૂટ
શી વિસાત એની ?
જીવતરના વિષ સામે !
શિવજીએ તો એને ગળામાં જ
રોકી રાખ્યું……..પી ન શકયા
અને હું ને તું રોજ વિષપાન
કરીએ છીએ ….
ભેળસેળ,ભ્રષ્ટાચાર,આતંક,બળાત્કાર ,
દુષિત પર્યાવરણ કંઈ કેટલાંયે વિષ
ઉતારિયે છે ભીતર !
મોહિની પણ રોકી ન શકે
જીવતરના આ તાંડવને !
અને આ છેલ્લો કટોરો ઝેરનો નથી
મંથનમાંથી તો નીકળ્યા કરશે
નીકળ્યા કરશે આદમની વિવશતા !
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘