કંઇ નથી
હું ઉભો છું ને તું આડો, કંઇ નથી!
એક ઘાની બે જ ફાડો, કંઇ નથી!
કાંઈ પણ ગુમાવવાનું છે નહીં
છો પડે ને રોજ ધાડો, કંઇ નથી!
છે ધરાશાયી ઇમારત તોય પણ
રહી શકીશ, સાબૂત વાડો, કંઇ નથી!
ફૂટલો દેખાઉં છું, વાંધો નહીં!
આયનામાં છે તિરાડો, કંઇ નથી!
આંખ મીંચી કે જઇશ પરદેશ હું!
હું સૂતો જ્યાં ત્યાં જ ખાડો, કંઇ નથી!
– હરિહર શુક્લ