કંકુવર્ણા અક્ષરે કૂંપળ ફૂટ્યાની વાત છે
સ્નેહભીનાં કાગળે કૂંપળ ફૂટ્યાની વાત છે,
શબ્દ સાથે શ્વાસમાં જ્યારે કશું રોપાય છે,
ત્યાં કલમનાં ટેરવે કૂંપળ ફૂટ્યાની વાત છે,
રાત આખી થઈ વિજોગણ, કોણ પીડા દઇ ગયું !
સ્વપ્ન ઝીલી પાંપણે કૂંપળ ફૂટ્યાની વાત છે
સાચવીને રાખ તું પુષ્પો છુપાવી શ્વાસમાં,
જો અચાનક સૌરભે કૂંપળ ફૂટ્યાની વાત છે,
ટેરવાં પર સ્પર્શનાં વર્તુળ સતત જો પીગળે,
ત્યાં ધડકતા સ્પંદને કૂંપળ ફૂટ્યાની વાત છે
સૂર્યનાં કોમળ કિરણ જયાં પાલખીમાં ઝુલતા,
સપ્ત રંગી ઝાકળે કૂંપળ ફૂટ્યાની વાત છે,
મૃગ બનીને દોડતી આ જીંદગી હાંફી જતી,
લે ખબર તું ઝાંઝવે કૂંપળ ફૂટ્યાની વાત છે
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’