તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !
કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !
મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !
તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !
ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો
તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !
જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !
એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.