કોઈ તળાવની પાળે બેસી તારી રાહ જોઉં છું ,
શાંત જળના પડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.
વાયરો પણ આજે ,પૂરવ -પશ્ચિમ થઈ વાતો,
આથમતા સૂરજની સંગે ,ગીત ખુશીના ગાતો.
જોતાં -જોતાં શ્વેત વાદળને, તારી રાહ જોઉં છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.
આ સાંજની સંગાથે ,તેં ને મેં વાતો ઘણી કીધી,
આડીઅવળી નહીં ,પણ લીટી આપણી સીધી.
એકાકી અંધારા સંગ હું તારી રાહ જોઉં છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.
હોઠ સુધી આવેલું અમરત પાછું મેં તો ઠેલ્યું,
તારા વિન અમર થવાનું, ક્યારનું મેં મેલ્યું .
પ્રેમકટારી વાગી, ઘાયલ , તારી રાહ જોઉં છું ,
શાંત જળનાપડછાયામાં,ખુદને ખુદમાં ખોઉં છું.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘