કોણ ?
ઓચિંતા જળધોધ મહીંથી કો ‘ ક તર્જની ઝાલે ……..
આજે કોણ અડાબીડ ઊભું કોઈ નહોતું કાલે …….
કોઈ કહે ક મૌનપ્રભાવક કોઈ કહે કે સોહમ
ભીતરમાં મલકાતું ગાજે એ જ રહ્યું જળદોહમ
પદ્મચક્ર હાથોમાં ઝળહળ પુંજ મરકતું ભાલે
ઓચિંતા જળધોધ મહીંથી કો ‘ ક તર્જની ઝાલે !
મર્મરતા પર્ણોમાં ઝાંકે પુદગલવંતી જાળી
કિંચિત રોમેરોમ મહીંથી કમળપાંદડી ભાળી
શબ્દ સરીખો રંગ અચાનક કોણ ધરે કરતાલે?
ઓચિંતા જળધોધ મહીંથી કો ‘ ક તર્જની ઝાલે !
-દીપક ત્રિવેદી