અફવા ને અથવાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો,
શમણાં ને ભ્રમણાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
સપનાં જેવી ઘટના જોઇ, એને શાને સપનું સમજું?
ઘટના ને સપનાંની વચ્ચે, મારો ચહેરો તો જોવા દો !
મૃગજળનાં ઝરણાંમાં કુદે, ઈચ્છાઓનાં હરણાં પ્યાસા,
હરણાં ને ઝરણાંની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
ચરણો બાળી તડકે ચાલું, ન મળે શીતળ છાંયો વૃક્ષે,
છાંયા ને તડકાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
ચહેરા પર મ્હોરા પહેરીને, છળતા સૌ દર્પણનાં બિંબો,
દર્પણ ને છલનાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
રસ્તે રસ્તે વાગે કાંટા, પર્વત ચઢતા કંકર ખૂંચે,
રસ્તા ને પથરાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
શ્વાસો રુંધી મૌન કલમ થઇ, શબ્દો કાંપે ભય ઓથરે,
શબ્દો ને પડઘાની વચ્ચે મારો ચહેરો તો જોવા દો
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’