પથ્થર અગર પૂજ્યો તો ઈશ્વર બની ગયો;
માણસ હતો મજાનો પથ્થર બની ગયો.
શ્રાવણ સમા સલુણાં સપનાં ઉછેરતાં—
અસહ્ય ધોમ ધખતો ચૈતર બની ગયો.
મૂર્તિ સતત મનોહર ઘડવામાં રાતદિન–
ધીમેધીમે ખરીને કંકર બની ગયો.
સાગર સમું થવું’તું સૌને સમાવવા—
થઈ થઈને મિત્ર મારો ગાગર બની ગયો.
સરવૈયું માંડ્યું ત્યારે સમજણ ખરી પડી–
આખર ઘડી જણાયું બેઘર બની ગયો.
શો-કેસના સવાયાં શ્વાસો ગમ્યા હતાં–
નીકળ્યો જો કાચ તોડી અત્તર બની ગયો.
સમ્મત થશે જ સઘળાંયે એક વાત પર–
“ગુણવન્ત” સ્હેજ જાગી જબ્બર બની ગયો.
~ ગુણવંત ઉપાધ્યાય