માનતા
એક ઠૂંઠાને છે કૂંપળ આવવાની માનતા
હું હજી માનુ છું તારા માનવાની માનતા
એ હવે ઠંડક ની સોબત થી બહુ અકળાય છે
ખાંપણે લીધી છે શ્વાસો ચાલવાની માનતા
જો હસું ક્યારેક હું તો ફાળ પડતી સ્મિતને
શું ફળી ગઈ છે તને વિસરાવવાની માનતા ?
એમને હું હાથમાં ના ઊંચકું તો શુ કરું ?
ચંપલે રાખી છે ઊંધા ચાલવાની માનતા
જર્જરિત દહેરુ ધરાશાયી છતાં પણ ના થયું
ઊંચકી’તી કૈકની વેંઢારવાની માનતા
ચાર શ્રીફળ અંધકારે પણ તરત માની લીધા
રાત લેતી’તી દિવા પ્રગટાવવાની માનતા
જો થયા હડધૂત ત્યાંથી, તો ય ‘ખમ્મા’ નીકળ્યું !
જ્યાં ફળી’તી ઘોડિયું ઝુલાવવાની માનતા
— લિપિ ઓઝા