મૌનમાં વ્યવહાર હોવો જોઈએ
મૌનમાં વ્યવહાર હોવો જોઈએ,
પ્રેમમાં ક્યાં કોઈ પડઘો જોઈએ?
ઢાંકણીમાં પાણી લઈ હું શું કરીશ?
ડૂબવા માટે તો દરિયો જોઈએ.
આ કળી પણ એમ ઉઘડશે નહીં,
ખીલવા માટે તો તડકો જોઈએ.
એ ખરે છે તો ય ચમકે છે સતત,
ખરતા તારાનેય મોભો જોઈએ.
માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
ક્યાં પડ્યો છે ચાલ ગોબો જોઈએ.
રોજ થાકીને ઘરે આવ્યા પછી,
તારા ઘરનો એક ફેરો જોઈએ.
ખાલી નમણા ગાલ પર મોહી પડ્યા?
એની ઉપર નાનો ખાડો જોઈએ.
રવિ દવે ‘પ્રત્યક્ષ’