કાળિયા વરસાદ તને પરણાવી ધરતીને, દીધો છે સેલફોન દહેજમાં,
અષાઢી મેઘ મૂવા ક્યાં તું ભરાણો, આજ તારો મોબાઈલ નથી રેન્જમાં.
આઠ આઠ માસે પણ પૂરી ન થાય, તારી નોકરીમાં કેવી છે પાળી,
સૂરજને ચંદાને રાજી કરવામાં, આજ ભૂલી ગયો તું ઘરવાળી.
કી પેઈડ દડબડતા આંસુડા દાબે, એને જાતા ન આવડે મેસેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …
લાગણીનું પ્રીપેઈડ ખાલી કરીને, હવે મિસકોલ કરતી મીસીસ છે,
ફુરસદમાં સહેજ હવે વરસીને વાંચ, એની આંખોમાં ચાર પાંચ થીસીસ છે,
બેટરીની જેમ એનું બી.પી. થાય લો, તારો આવે મોબાઈલ એન્ગેજમાં.
આજ તારો મોબાઈલ નથી રેન્જમાં …–
ગૌરાંગ ઠાકર