અધરની ગુફામાં છુપાયા રહસ્યો
સમયનાં સિતમથી ઘવાયા રહસ્યો
હશે ભાર પડદાનો આવો ય ભારી
જરાં જો ખસેડુ છવાયા રહસ્યો
ગગનને ખબર છે પતંગી એ વિસ્મય,
પવનનાં લલાટે લખાયા રહસ્યો
હતો ટેરવેથી એ ખરતો ટકોરો,
કરી બંધ દ્વારે વસાયા રહસ્યો
હ્ર્દય ભીતરે સળગતું વેદનામાં
સ્મરણની અગનમાં તવાયા રહસ્યો
ટપકતી થઈ છત ને તૂટી છે ભીંતો,
દરારે દરારે દટાયા રહસ્યો
પૂર્ણિમા ભટ્ટ. ‘તૃષા’