પાંપણો અકબંધ, લ્યો પાછાં ફર્યા
સ્વપ્નનાં સંબંધ,લ્યો પાછાં ફર્યા
અધખુલેલાં દ્વાર જોઇ, ભીતરે,
થઈ ટકોરા અંધ, લ્યો પાછા ફર્યા
વાઢવુ’ તું વૃક્ષ જોઈ જર્જરિત ,
ના ઝુકયા આ સ્કંધ, લ્યો પાછા ફર્યા
સૌ સ્મરણ લઇ પંખ શાને ફડફડે ?
છે કિતાબો બંધ, લ્યો પાછા ફર્યા
લાગણી, પીડા, વ્યથા ને વેદના
કેટલાં અનુબંધ, લ્યો પાછા ફર્યા
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’