વાદળે વિખવાદ જેવું છે કશુંક
ચોતરફ ફરિયાદ જેવું છે કશુંક
આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક
ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જેવું છે કશુંક
નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક
એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક
સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક
હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક
– ડૉ. જગદીપ નાણાવટી