સારેગામા સપ્તકે ઝમતો રહ્યો
ગીત-ગઝલોના લયે રમતો રહ્યો
ઢોલ હો, મૃદંગ હો ને મંજીરા
હાથ લઇ કરતાલ હું ભમતો રહ્યો
લો,બની બંદીશ સૂરીલી અને
સૂર પંચમનો જરાં નમતો રહ્યો
વેદના- સંવેદના જાણી નહીં
અશ્રુઓની ધારને ખમતો રહ્યો
એક અલગારી રહ્યો એમ જ ધ્વનિ
હું હમેશાં સાઝ અણગમતો રહ્યો
-પૂર્ણિમા ભટ્ટ “તૃષા”