બાંકડો ભેંકાર ભાસે છે, તમારાં સમ,
ત્યાં ક્ષણો ટળવળતી લાગે છે, તમારાં સમ
આપણે રોપી હતી જે સાંજ સંગાથે,
બાવળીયા શૂળ વાગે છે, તમારાં સમ
કેટલાં રોક્યા ગરજતાં વાદળોને મેં,
ઝાપટા યાદોનાં નાંખે છે, તમારાં સમ
આ પ્રતીક્ષાની યે લેશો શું પરીક્ષાઓ ?
હાં, ટકોરા પણ નિસાસે છે, તમારાં સમ
પંખીનાં ટોળાં કરે છે શોર ડાળો પર,
મૌનનો આક્રોશ તાવે છે ,તમારાં સમ
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’