શાન્ત વિસ્તારમાં એમ આવી ચઢ્યા ઘાસ અંકુરિત થતું હોય જાણે;
પળવિપળમાં રૂપાન્તર થતું ફૂલનું ફળમાં વિકસિત થતું હોય જાણે !
એકમાં તો હતાં તોય અગણિત હતાં ભાન ને સાનના ભેદ ભ્રમમાં ;
પર્ણ લીલાં-પીળાં સર્વ ખરતાં થતાં એક અગણિત થતું હોય જાણે !
સપ્તરંગો વડે આંખ પણ દેખતી; પેખતી; રોકતી; દંગ થાતી;
સૂર્યના કિરણની ભીતરે પહોંચતાં સર્વ કાલાતીત થતું હોય જાણે !
નિશ્ચિત-અનિશ્ચિત હતાં તોય મધ્યે હતાં મધ્યમાર્ગે વહી જાણતી કો’ નદી–
મધ્યના પ્રવાહમાં તાણ-ઊંડાણમાં હોવું અંકિત થતું હોય જાણે !
કોઈ ચોક્કસ સમય પૂરતું છો મળ્યું માપવા પળ પુનિત પળ વડે જો–
ખંડ-અખંડના ખ્યાલ ખરતા થતા નિત્ય નવનીત થતું હોય જાણે !
ગુણવંત ઉપાધ્યાય