લીંપી સ્મરણ જખમ પણ ચણતર કરી રહ્યું છે,
ઠોકરનું વાગવું પણ, પગભર કરી રહ્યું છે,**
સાક્ષાત છે હયાતી,પાંપણની પાલખી પર,
રોશન એ દૃશ્ય મુજને, ક્ષણભર કરી રહ્યું છે,
એકાંતનાં હિસાબો, ના કઇં મિલનનું વળતર,
ખાલીપણું ઉધારી, સરભર કરી રહ્યું છે,
લઇ ભેખ શબ્દનો ને, કરતાલ આ કલમની,
જો વસ્ત્ર પણ ફકીરી વણતર કરી રહ્યું છે,
હું સાંધતી સતત રહી, લાચાર થઇ પ્રસંગો
આ પોત આયખાનું ગળતર કરી રહ્યું છે,
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’