વાંસળીમાં
છેદ સોંસરવા પડે છે વાંસળીમાં,
ભેદ જીવન ના મળે છે વાંસળીમાં.
પ્રાર્થના તો શાંત મનની ભાવના છે,
વેદની ઋચા ભળેછે વાંસળીમાં.
વેણુ ના દે ઘેલી મીરાં-રાધિકા પણ,
પ્રીત બેઉ ટળવળે છે વાંસળીમાં.
એક પૂરો શ્વાસ પણ ક્યાં આપણો છે ?
કેદ થઈ પાછો વળે છે વાંસળીમાં.
દ્વારકા ગોકુળ પીછું તાનપૂરો –
એક સાથે ઓગળે છે વાંસળીમાં.
જોઉં કદમ તો કૃષ્ણ આવે સ્વપ્નમાં,
રાત આખી સળવળે છે વાંસળીમાં.
કૃષ્ણ ને શોધે મીરાં દેવલયોમાં –
રાધિકા આખી ઢળે છે વાંસળીમાં.
પુષ્પા મહેતા (પારેખ)