ઘવાતા હ્રદયની દરારે લખ્યું છે
કલમને કસી તેજ ધારે લખ્યું છે
અસતનાં યે ચોમેર વાદળ ગરજતાં,
લખ્યું છે એ સતના ઝગારે લખ્યું છે
ન વાદો ,વિવાદો કશા કામનાં છે,
ઉભયનાં નકાબી કરારે લખ્યું છે
હતી સાંજ કેવી સલુંણી ક્ષિતિજે
ધરા ને ગગનનાં ઇશારે લખ્યું છે
રૂઝેલાં જખમ ખોતરીને સ્મરણથી,
સમયના સિતમને સહારે લખ્યું છે
ધરી મૌન, ઘેરું ઉભો છે જમાનો
રહસ્યો લુંટાતી બજારે લખ્યું છે
સૂરજની અગનને ભરી ઝાંઝવે પી,
હરણની તરસનાં નજારે લખ્યું છે
પૂર્ણિમા ભટ્ટ. ‘તૃષા’