આજે મેં એક અખતરો કર્યો છે,
ગદ્ય અને પદ્યનો મિલાપ ગોઠવ્યો છે.
એક હતો છોકરો,
રહેતો હમેશા નવરો.
કામકાજથી દૂર ભાગતો,
ન ક્યાંય જતો, ન ક્યાંય આવતો.
કંઈ પણ વાકુચુકુ કરતો રહેતો,
અને અખતરાના નામે ઓળખાતો.
એને સ્કૂલ જવું ફક્ત એટલે ગમતું,
વિજ્ઞાનની ક્લાસમાં અખતરા કરવા મળતું.
દરરોજ નતનવા અખતરા કરતો,
અને રોજ એક નવો ઠપકો ખાતો.
આજે વિજ્ઞાનની લેબમાં ઉત્સુકતાથી પગ મુક્યો,
આજે ગડબડ વગર કરીશ એક નવો અખતરો.
પણ આતુરતા અને ઉતાવળમાં ફરી ગોટાળો કર્યો,
કેમિકલ વધુ પડ્યું અને સરખું માપ ભૂલી ગયો.
પ્રયોગશાળામાં આગ લાગી, ધમકો થયો,
અને ચારેતરફ હોહાકારનો ઘોંઘાટ થવા લાગ્યો.
છોકરો આપણો ઊલમાંથી ચૂલમાં પડ્યો,
પહેલા કરતા વધુ મોટો ઠપકો ખાવો પડ્યો.
હાલ માટે કાફી હતું આ ખતરનાક પરિણામ,
અને અખતરા કરવાની હોંસે લીધું અલ્પ વિરામ.
શમીમ મર્ચન્ટ