અમે જો ગુમ થયા તો કોઇ દિન અખબારમાં મળશું,
તમારા દિલ, દિમાગોમાં,ગઝલ દરબારમાં મળશું.
અગર રાજી ખુશીથી ચૂંટશો અમને મતો આપી,
વતનની ભૂખને સંતોષવા સરકારમાં મળશું.
સુમન રૂપે, કદી ફોરમ રૂપે , છાયા રૂપે મનને,
હરદયથી ચાહનારાને અમે પળવારમાં મળશું.
કલમ-કશમીર જેવી આપ પાબંદી ઉઠાવી લો,
નહિંતર બે વિભાગોમાં, વિવિધ આકારમાં મળશું.
સરિતા ચાંદનીની થઇ ઝરણની જેમ શીખરથી,
બધા કર્ણોપટલમાં સૂરના ઇઝહારમાં મળશું,
પ્રસંગની આ બધી યાદો નજરમાં કેદ રાખી લો,
ફરી , છુટા પડીને કોઈ પણ વ્યવહારમાં મળશું.
કયું છે કામ , લે કોઈ સહારો રાતનો ‘ સિદ્દીક’!
કહે છે લોક સૂરજના અમે સત્કારમાં મળશું.
સિદ્દીકભરૂચી.