આંખમાં તારી ગજબ ખેંચાણ છે,
ભીતરે એથી મચ્યું ધમસાણ છે.
વૃક્ષ માફક પર્ણ ફૂટે છે મને,
લીલીછમ તારી જ આ પિછાણ છે.
શ્વાસ ક્યાં અમથા લીધા ઓ બેખબર!
એ હવે તુજ નામમાં રમમાણ છે.
બંધ હોઠોમાં તું દાબે શબ્દને,
બોલકા આ મૌનમાં ઊંડાણ છે.
સૂર્યનું પહેલું કિરણ લાવે સ્મરણ,
રાતભર ચાંદે લૂંટી રસલ્હાણ છે.
શબ્દ પામ્યો દિવ્યતાને એ પછી,
સ્પર્શ તારો આ કલમનો પ્રાણ છે.
સ્હેજ હલચલ તો કશી થઈ એ તરફ,
આ ગઝલનું એને પણ બંધાણ છે.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’