વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં
મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં
શોપીંગની સાથે હું સ્મરણો લઇ જાઉં
બેગની સંગાથે હું ય છાની છલકાઉં
આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં
પપ્પા , મને મુકવાને આવવાનું નહીં
બેગ હું ભરું ત્યારે સામે ઉભા રહીને
કાઢું એ પાછું મુકાવો છો સમ દઇને
આ નથી કાઢવાનું , આ તો લેવાનું છે
કેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને
બેગ માંહે બાળપણ મુકાવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
“થોડું તો ચાલે બેટા, કોઇ નથી પૂછતું
સમજે બધાય હવે, લઇ જાને સાથ તું”
કેમ કરી સમજાવું પપ્પાજી, તમને હું
કાઉન્ટર પર હોય એને એવું તે શું ય
કહું વ્હાલને વજનમાં ઉમેરવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
પિયરમાં દીકરીનું વજન તો વધવાનું
ચાર ટાઇમ પેટ ભરી રોજરોજ જમવાનું
મમ્મીના હાથનું ને ભાભીના હેતનું
પરદેશે આવું ક્યાં કોઇને ય મળવાનું ?
અહીંયાનું કૈં ત્યાં સંભારવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં.
એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો
પાસપોર્ટ ટીકીટ ફરી જોવાને માગશો
“સાચવીને જજે” એવું બોલી ઉમેરશો
“પ્હોંચીને ફોન કરજે ” એવું ય કહેશો
ભૂલું તો ઓછું એનું લાવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
જોયા કરો હું જ્યાં સુધી દેખાતી
કાચની દીવાલ મને એક્વેરિયમ લાગતી
કાંઠો છોડીને જતી દરિયાની માછલી
બીજા કાંઠે એની વાટ રે જોવાતી
આંસુને કેમ કહું , આવવાનું નહીં
પપ્પા, મને મુકવાને આવવાનું નહીં
~ તુષાર શુક્લ