આંગળીનો નખ જો કતરાઈ ગયો,
ટેરવેથી સ્પર્શ તરડાઈ ગયો.
પ્રશ્ન સામે પ્રશ્ન એ પૂછી રહ્યા,
હાંસિયે ઉત્તર ધકેલાઈ ગયો.
તડ પડેલા શબ્દનું જોઈ રુદન,
અણકથ્યો એક અર્થ પ્રગટાઈ ગયો
જયાં નજરનો સ્પર્શ આખેટક* થયો,
પ્રશ્ન હા-ના નો ઉકેલાઈ ગયો
કંઇ ક્ષણોમાં દાયકા જીવી લીધા,
યુગ પ્રતીક્ષાનો જ વિસરાઈ ગયો
પૂર્ણિમા ભટ્ટ
*આખેટક – શિકાર કરનાર